કચ્છની ધીંગી ધરતી પર રામભાઈ ખૂંટી દ્વારા ભવ્ય સંતવાણી અને વિવિધ કાર્યક્રમો યોજાયા
અહેવાલઃ-મહેર એકતા ન્યુઝ
આપણી મહેર જ્ઞાતિમાં શોર્ય, ખુમારી, દાતારી, આવકાર જેવા અનેક ગુણો પથરાયેલા છે. અને તેમાંય ખાસ કરીને આજે આપણો સમાજ માત્ર પોરબંદર જ નહિ પરંતું દેશ અને વિદેશના સીમાડાઓ પાર કરી પોતાના ધંધા અને બીજનેશમાં આગળ પડતું સ્થાન ધરાવતો થયો છે. અને જે તે વિસ્તારમાં મહેર ન હોય તે વિસ્તારમાં પણ તે એવી રીતે ભળી જવાની પણ આવડત ધરાવતો થયો છે. તે વાતની પ્રતિતી અમોને કચ્છ ખાતે રહેતા રામભાઈ ખુંટીમાં જોવા મળી હતી.
તાજેતરમાં જ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઈ ગામે પોતાની વાડીયે રામભાઈ ખુંટી દ્વારા તા.ર૭/૧ર/ર૦૧રને મંગળવારના રોજ શ્રીરામદેવપીર મહારાજની પ્રસાદી અને ગાયોના લાભાર્થે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બપોરના સમસ્ત ખારોઈ ગામનું સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદ રાત્રીના ૮ કલાકે શ્રીસંત રાસ મંડળ-સીમર દ્વારા મણીયારો, તલવારની પટ્ટાબાજી, ઢાલ-તલવાર રાસ વગેરે રાસની રમઝટ બોલાવી હતી. આ રાસ દરમ્યાન પરબતભાઈ રાણાવાયા (સિંનપુરવાળા) અને રામભાઈ ભગત (મૈયારીવાળા)એ મહેરના દુહા-છંદ દ્વારા આપણી મહેર સંસ્કૃતિને ધબકતી કરી હતી. ત્યાર બાદ આપણી પ્રખ્યાત ભજનિક કલાકાર અને સંતવાણીના આરાધક શ્રીહિનાબેન મોઢવાડીયા, અને આપણી જ્ઞાતિના પ્રખ્યાત ભજન સમ્રાજ પરબતભાઈ રાણાવાયા તેમજ કોકીલકંઠી લલીતાબેન ઘોડાદરા અને સંતવાણી આરાધક, પરસોત્તમપરી ગોસ્વામીનો સંતવાણી સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.
તેમજ તા.ર૮/૧ર/ર૦૧રને બુધવારના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ હતું જેમાં ભીખુદાનભાઈ ગઢવીએ લોકસાહિત્યની વાતો પીરસી હતી. તો લક્ષ્મણભાઈ બારોટ, નિરંજનભાઈ પંડયા અને લલીતાબેન ઘોડાદરાએ ભજનોની રંગત જમાવી હતી.
આમ રામભાઈ ખુંટીની વાડીયેએ બે દિવસીય ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મંજુલાબેન બાપોદરાએ કર્યું.
વિવિધ સમાજો દ્વારા રામભાઈ ખુંટીનું અને મહેર જ્ઞાતિની લેખીકા મંજુલાબેન બાપોદરાનું પણ સન્માન કરાયું.
રામભાઈ ખુંટીની વાડીયે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં તાજેતરમાં રામભાઈ ખુંટી દ્વારા સોનાની લગડી જેવી કિંમતી દોઢ કરોડની જમીન ગાય માતાને કાજે ગૌશાળામાં દાનમાં આપેલ હતી જેને લઈને આજે ખારોઈ ગામના ઉપસરપંચશ્રી હેમુભા હનુભા સોઢા, ખારોઈ નવરાત્રી યુવક મંડળ, કચ્છ મિત્ર મંડળ, મુંબઈ વેપારી મંડળ, નારણભાઈ ગોવિદભાઈ ગામી, તે ઉપરાંત કકરવા, માનપોડ અને ખારોઈ ગામના જૈન સમાજના અગ્રણીઓ, આહિર સમાજ, કોળી સમાજ, રજપુત સમાજ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ અને વિવિધ સમાજના અગ્રણીઓએ રામભાઈ ખુંટી અને તેમના પરીવારનજનોનું શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો સન્માનપત્રથી ભવ્ય સન્માન કર્યું હતું જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધું હતું.
તો કાર્યક્રમના બીજા દિવ
સે ખારોઈ ગામની બાજુમાં આવેલા મનફરા ગામમાં ગાયોના લાભાર્થે કચ્છના વતની અને મુંબઈ સ્થિત મહાજનપંચસંઘે રામભાઈ ખુંટીનું ગૌશાળાને જમીન અર્પણ કરવા બદલ અને મંજુલાબેન બાપોદરાનું મુબઈના પૂર્વ કમીશનર જી.આર .ખેરનાર સાહેબનું જીવન ચરીત્ર એકલો પથીક નામનું પુસ્તક જે મંજુલાબેન બાપોદરાએ લખેલ છે. તે બદલ અને ખુમારી સાહસવૃતિને બીરદાવતા તેમનું પણ વિશેષ સન્માન થયેલ આ બન્ને સન્માનને ભુખુદાન ભાઈ ગઢવીએ બહુ જ સારા શબ્દોમાં બિરદાવતા કહેલ કે, કચ્છની ધરતી પર કોઈ મહેર સમાજના વીરલાઓનું સન્માન થયું હોય તો કદાચ આ ઈતિહાસની પ્રથમ ઘટના હશે. અને એ મંચ પરથી રામભાઈને દાનવીર અને મંજુલાબેનને નારી રત્નના સન્માનથી નિરંજનભાઈ પંડાયાએ પણ નવાજયા હતા. અને ભીખુદાનભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મહેરની ખાનદાની, ખુમારી, ખુદદાની અને દાતારીના મન ભરીને વખાણ કર્યા હતા.
રામભાઈનો પશુ અને પક્ષી પ્રત્યેનો અનોખો પ્રેમ
રામભાઈ ખુંટી માત્ર દાનવીર જ નથી પરંતુ સાથે સાથે તેઓ પશુપ્રેમી પણ છે. તેથી તો તેમણે પોતાની જમીન ગાયોને અર્પણ કરી છે. રામભાઈ જેેટલા પશુપ્રેમી છે. એટલા જ પક્ષીપ્રેમી પણ છે. કારણ કે, તેમની વાડીયે કબુતરો, ચકલી સહિતના વિવિધ પક્ષીઓ રોજ ચણ ચણવા આવે છે. અને રામભાઈ પણ ઉઠીને પહેલા ચણ નાખે, પછી પશુ માટે પાણી ભરે અને તે પછી જ દાતણ અને નાસ્તો અને પુંજા-પાઠ ઈત્યાદી પ્રવૃતિઓ કરે છે. મહેર એકતા અખબારની ટીમે રામભાઈની વાડીની મુલાકાત લીધી ત્યારે રામભાઈના બે રૂમો તો પક્ષીઓના ચણ માટે જોવા મળ્યા હતા. અને એક મોટો ગોદામ ગાયો માટેની નિરણ પણ જોવા મળી હતી. આમ રામભાઈ ખરાઅર્થમાં દાનવીરની સાથે પશુ અને પક્ષીપ્રેમી છે.
મોટી સંખ્યામાં જ્ઞાતિઆગેવાનો હાજર રહ્યા..
ખારોઈ ગામે રામભાઈ ખુંટીની વાડીયે તા.ર૭/૧ર/ર૦૧રને મંગળવારના રોજ શ્રીરામદેવપીર મહારાજની પ્રસાદી અને ગાયોના લાભાર્થે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં રામભાઈ ખુંટીના આમંત્રણને માન આપીને સગા-સબંધીઓ, સ્નેહીજનો, તેમજ બરડા વિસ્તારના જ્ઞાતિ આગેવાનો, ઘેડ વિસ્તારના જ્ઞાતિઆગેવાનો, પોરબંદરના જ્ઞાતિ આગેવાનો, માણાવદર મેર સમાજના આગેવાનો, સીમર રાસ મંડળ, રાજકોટ મહેર સમાજના આગેવાનો, અમદાવાદ મહેર સમાજના આગેવાનોએ અને સમસ્ત કચ્છ મહેર સમાજ હાજર રહ્યા હતા.
સીમર રાસ મંડળનું થયું ઉદઘાટન
આ પ્રસંગે સીમર ગામની શ્રી સંત રાસ મંડળની ટીમે પ્રથમ વખત જ પોતાના કાર્યક્રમની શરૂઆત કચ્છની ધરતી પરથી કરી હતી. આ ટીમને પરબતભાઈ ઓડેદરા, માલદેભાઈ ઓડેદરા, નોઘણભાઈ ઓડેદરા દ્વારા ટ્રેનીંગ આપવામાં આવે છે.
રામભાઈ મહેર સમાજનું નાક અને દાનવીર છે. -હિરાલીબેન રાજશાખા
રામભાઈ ખુંટીની વાડીયે યોજાયેલ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં રામભાઈ ખુંટીના ભવ્ય સન્માન બાદ કચ્છના નલીયા ખાતે બાળ વિકાસ અધિકારી અને આપણી જ્ઞાતિના કલાસ-ર અધિકારી હિરાલીબેન રાજશાખાએ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોને સંબોધતા જણાવેલ કે, આ કચ્છની ધરા પર રામભાઈ ખરેખર જેમ દુધમાં સાકર ભળી જાય એ અહીના લોકો સાથે ભળી હળી અને મળી ગયા છે. રામભાઈ આપણી જ્ઞાતિના સાચા દાનવીર છે અને આપણા સમાજનું નાક પણ છે. તેમને જેટલા અભિનંદન આપીયે તેટલા ઓછા જ ખુબ ખુબ શુભેચ્છા કે તમારા હાથથી આવાને આવા સત્કાર્યો થતા રહે.