પુંજો ખિસ્તરીયો
લે. ભરતભાઇ બાપોદરા, મુ. બાપોદર (કથા સમય: ઇ.સ.૧૭૭૧ આસપાસ)
# ૧ #
બરડાનાં ત્રણ વાનાંને લોક કવિઓએ મન ભરીને ગાયા છે. બરડાનો ડુંગર, બરડાની નારી અને બરડાની ધરા કવિઓની આંખમાં લેલુંબ બોળીની માફક હંમેશા લચી રહ્યા છે. એક કવિએ દુહામાં કહ્યું છે.
નમણો બરડા-ડુંગરો, નમણી બરડા-નાર, નમણી બરડાની ધરા, સોરઠને વિસ્તાર..
ધગાધમ આવા બરડા અડતલ ડુંગરાના પેટાળમાં ખિસ્ત્રી નામનું ગામ આવેલું છે. ગામ નાનું પણ રળીયામણું ભારે. ગામના માણસો પણ મીઠાપવાળા, આવતલ કોઇ પણ માણસને મીઠો આવકાર આપીને પોતાની ગરવી મહેમાનગતી મણાવે.
આ ગામમાં એક બળુકો મેર થઇ ગયો. એનું નામ પૂંજો, આ પૂંજો તે નાથા મોઢવાડીયાને ઝેર આપનાર પૂંજો નહીં, પણ ગાયોની વ્હારમાં ખપીજનાર પૂંજો. ગામમાં મઢુલી બાંધીને રહેતા વિલાયસા ફકીર સાથે અને ગજબની ભાઇબંધી હતી. બન્નેની જુગલબંધી એવી, જાણે રામ લક્ષમણની જોડી જોઇ લો ! ફકીર મહાન માણસ હતો. છતાં એક અતિ ગરીબ માણસની જેમ રહેતો. તેને પોતાની મહાનતાનું જરાય અભિમાન ન હતું. પૂ્જો પણ એના જ વિચારનો માણસ એટલે બન્નેની દોસ્તી જામી ગયેલી. બન્નેએ એક બીજા વગર ઘડીયે ના ચાલે. પુંજો વિલાયસાની મઢુલીએ જાય ત્યાં બન્ને જણ કલાકોનાં કલાકો ચર્ચા કરે. આ બન્નેનો નિત્ય ક્રમ.
એક દિવસ પૂંજો બીમાર પડયો. બિમારી જીવલેણ હતી એથી એ પથારીવશ થયો હવે એ વિલાયસા બાપુની મઢુલીએ પહાચી શકે એવી એની સ્થિતિ નહોતી એક, બે-એમ ત્રણ દિવસો પસાર થઇ ગયા.
રોજ સવારમાં ઊઠીને પોતાની મઢુલીએ આવતો પુંજો ત્રણ ત્રણ દિવસ સુધી ન આવ્યો એટલે ફકીરને નવાઇ લાગી. ત્રણ ત્રણ દિવસ સુધી પૂંજો કેમ નહીં આવ્યો હોય ? અને કંઇ થયું તો નહીં હોયને ! વિચારમાં ને વિચારમાં ઘણો સમય વીતી ગયો. એટલામાં ત્યાંથી એક માણસ પસાર થયો. વિલાયસા બાપુએ એને પુછયું. ભાઇ, પુંજો ત્રણ ત્રણ દિવસથી અહીં આવ્યો નથી, તો એ કયાંય બહાર ગયો છે ?, બાપુ એ તો બિમાર પડયો છે. પથારીવશ છે. ચાલી શકે એવી એની સ્થિતિ નથી ! પસાર થતા માણસે જવાબ આપ્યો.
શું પુંજો બિમાર પડયો છે ? ત્રણ ત્રણ દિવસથી ? હા બાપુ, કહી પેલો માણસ ચાલતો થયો. વિલાયસા બાપુનું અંતર વ્યથિત થઇ ગયું. વ્યથા ભરેલા ર્હદયે તે પૂંજાની ડેલીએ આવ્યો. જોયું તો અનેક માણસો રોકકળ કરતા બેઠા હતા. વિલાયસા બાપુનાં ર્હદયમાં ધ્રાસકો પડી ગયો. આ શું ? એક માણસને બોલાવીને એમણે પેલા માણસને રડવાનું કારણ પૂછયું. તેણે કહ્યું પૂંજો ભગત પાછો થયો છે !
હે, પુંજો ભગત પાછો થયો ! મારો ભેરુડો હાલી ગયો ? વિલાયસા બાપુની આંખે ઝળઝળીયા આવી ગયાં. માણસોને એક બાજુ ખસેડતો તે ઘરમાં ગયો. ઘરમાં જઇને જોયું તો જમીન ઊપર પૂંજાનું શબ પડયું હતું. શબની ફરતે એના કુટુંબી જનો બેઠા હતા. બધા છાતીફાટ રૂદન કરી રહ્યા હતા. વિલાયસા બાપુએ એમને આશ્વાસન આપતા કહ્યું.તમે રડો નહીં અને થોડી વાર માટે બહાર જાઓ..વિલાયસા બાપુનો આદેશ સાંભળી બધા બહાર નિકળી ગયા. વિલાયસા બાપુએ અંદરથી બારણું બંધ કરી દીધું અને પુંજાનાં શબ પાસે આવીને બેઠો.
ગળામાં રહેલી તસબી જીભે અને આંખે અડાડીને કંઇક બોલ્યા ત્યાં પુંજાનું શબ બેઠું થઇ ગયું…!
થોડીવાર થઇ ત્યાં બહારના લોકોએ ઘરની અંદર કંઇક ગણગણાટ સાંભળ્યો. બધા અચંબામાં પડી ગયા. ઘરની અંદર વિલાયસા બાપુ અને પુંજો વાતો કરી રહયા હતા! ઘણીવાર સુધી બંનેએ વાતો કરી. પછી બારણું ખોલ્યું બંન્ને બહાર નીકળ્યા. પુંજાને જીવતો જોઇને સગા સબંધીઓના આનંદનો પાર ન રહયો. બધા વિલાયસા બાપુ જે બોલાવવા લાગ્યા!
ઘરેથી નીકળીને બંન્ને મઢુલીએ આવ્યા. મઢુલીની અંદર જઇને વિલાયસા બાપુએ એક તાવીજ અને એક માદળિયુ પુંજા ભગતને આપતા કહયું:
“ભગત, તું જયાં જા ત્યાં આ તાવીજ અને માદળિયું સાથે જ રાખજે.”
# ૨ #
ખિસ્ત્રી ગામની ઊગમણી બાજુએ “મથાર” નામનો વાકળો આવેલો છે. આ વાકળાની બંને કાંઠે ત્યારે લગભગ એક હજાર તાડનાં ઝાડ હતા. બીજા વૃક્ષો પણ હતાં. દિવસે પણ ત્યાં જતાં બીક લાગે એવાં અંધારા પડતાં.
એક દિવસ પુંજો આ વાકળામાં ન્હાવા ગયેલો. પાછળથી ગંડીયા મુસલમાનો ગાયોનું ધણ વાળી ગયા. ગોવાળ હાંફળો-ફાંફળો થઇ ગયો. બાર બાર લાઠકા અને હથિયારબંધ મુસલમાનો સામે પોતાનું શું આવે? એણે પુુંજાના ખબર કાઢયા તો ખબર પડી કે એતો “મથાર”માં ન્હાવા ગયો છે. ગોવાળ દોડતો-દોડતો ત્યાં આવ્યો અને હાંફતા શ્વાસે કહયું:
“પુંજા ભગત! ઓ પુંજા ભગત! ગંડીયા આપણા ગામનું ધણ વાળી ગયા છે!”
“હ! ગામનું ધણ વાળી ગયા છે?”
“હાં ભગત, ઝટ કરો, નકર ગામનું નાક કપાશે!”
પુંજા ભગતના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. ગુસ્સામાંથી તેનું અંગ ઘડીકમાં તો ધગેલ ત્રાંબા જેવું રાતુચોળ થઇ ગયું. આંખોમાં ખુન્નસ ઊઘરી આવ્યું ગામમાં પુંજો સાબદો બેઠો છે ને એ તરકડાઓ ગામનું ધણ વાળી જાય? એમ બને તો પુંજાની મુછના મલ્ય શા?
પુંજા પાસે તલવારતો હતી જ પરંતુ ગંડીયાઓને સપડાવવા માટે ઘોડો તો જોઇએ જ. એટલે ઊતાવળે ઊતાવળે તે ગામ તરફ ચાલ્યો. રસ્તામાં ચારણોના નેસ હતા. નેસના પટાંગણમાં એક ઘોડો હતાો. પુંજાએ વિચાર્યુઃ અહથી જ ઘોડો લઇ લઊ. ગામમાં પહાચતાં સમય લાગશે. એમ વિચારીને તે નેસમાં આવ્યો અને સાદ કર્યોઃ
“માલીકોર છે કોઇ?”
પુંજાનો અવાજ સાંભળીને સાતેસાત ચારણીયાઓ બહાર આવી. સાતમાંથી એક ચારણીયાણી બોલીઃ
“કોનું કામ છે, ભાઇ?”
“ગંડીયાવ આપણાં ગામનું ધરણ વાળી ગયા છે, મારે એની વ્હારે જવું છે, એટલે તમારો આ ઘોડો લેવા આવ્યો છું.”
“ભાઇ, અમારા ચારણ દેવો ઘરે નથી. એમને પુછયા વિના અમારાથી ઘોડો ન દેવાય.”
પુંજા ભગતે એમને ઘણી સમજાવી, પરંતુ તેઓ માની નહીં એટલે પુંજા ભગતે જબ્બરજસ્તીથી ઘોડાને છોડયો. ચોકડાને બદલે ખાલી નાખી.
#૩#
ઊડપલાણ સવારી કરીને ઘોડાને મારી મૂકયો… ચારણીયાણીઓ એને શરાપ દેતી ઊભી રહી.
જે તરફ ગંડીયા લોકો ગાયોનું ધરણ વાળીને ગયા હતા, એ તરફ પુંજા ભગતે પતાના ઘોડાને
મારી મૂકયો… ડુંગરમાં “સહઝર” નામની જગ્યા છે. ત્યાં એણે ધણ વાળનારાઓને આંબી લીધા. પડકારો કર્યોઃ
“પુંજો જીવતો બેઠો છે ને તમે ધણ વાળીને જશો એમ? ધણ વાળવું હોય તો પ્હેલાં પુંજા સાથે યુધ્ધ કરવું પડે!”
પડકાર ફકયા પછી પુંજાને ખબર પડી કે વિલાયસા બાપુએ આપેલ તાવીજ અને માદળિયું લેતાંતો પોતે ભૂલી ગયો હતો. પરંન્તુ હવે એ લેવા પાછુ થોડું જવાય? પાછો જાય તો તો ગંડીયાઓ એને કાયસ સમજે. હવે તો જે થવું હોય તે થાય, પાછું ન જ જવાય.
પૂંજાનો પડકાર સાંભળીને ગંડીયા ખડખડાટ હસી પડ્યા. બે ત્રણ જણા કટાક્ષમાં બોલ્યા:
“ઓ હો હો ! ભાઇ ! તારૂ ધણ પાછુ વાળી જા ! અમ થી કંઇ તારા જેવા જોરાવર માટી સામું થવાય ! અમે તો તણખલા જેવા ! તારી એક ફુંકે જ ઉડી જઇએ!”
પૂંજો ગંડીયાઓનો કટાક્ષ પારખી ગયો. બોલ્યો:
” મશ્કરી રે વાદો ને થાવ ભાયડા ! આજ મારે મારૂ પાણી દેખાડવું છે. ! ”
પૂંજાના આ શબ્દો સાંભળીને છ જણા આગળ આવ્યા.
પોતાના ઘોડાને ગંડીયાઓ તરફ કુદાવીને પુંજાએ તલવારના વાર શરૂ કર્યા. વીજળીની જેમ ફરતી પૂંજા ખિસ્તીરીયાની તલવારે છએ છ જણના માથાં વાઢી નાખ્યા. બાકીના છ જણતો આ જોઇને હેબત ખાઇ ગયા આ તો ભારે થઇ ! હવે તો જીવ બચાવવા સિવાય કોઇ આરો ન હોતો. પુંજાની સામે થવું એતો મોતને નોતરવા જેવું હતું. એમ વિચારીને એ છ એ છ જણા ભાગ્યા…. પૂંજા એમની પાછળ પડયો. છમાંથી બે જણા આડા-અવળા લપાઇ ગયા. બાકીના ચાર જણને પૂંજાએ પાડી લીધા.
જે બે જણ લપાઇ ગયા હતા. એમાંથી એક જણ હમત કરીને ઉભો થયો. પુંજાની પાછળ જોરથી તલવાર નો ઘા કર્યો. પૂંજાનું માથું ધડથી જુદું થઇ ગયું.
પુંજાનું મસ્તક પાડવા છતા, એનું ધડ લડવા લાગ્યુ. બાકી બચેલા બે જણને થયું કે હવે અહી ઉભવા જેવું નથી એટલે તે બન્ને જણ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા….
ધણ પાછું વળીને ખિસ્ત્રી ગામમા આવ્યું.
એમ કહેવાય છે કે, જયારે ચારણો એના નેસડાએ પાછા આવેલા ત્યારે ઘોડો ન જોતા એમણે ચારણીયાણીઓને પુછપરછ કરેલી. ચારણીયાણીઓના જવાબ થી સંતોષ ન થતા ચારણોએ એમને અસહ્ય મેણા મારેલા આ મેણા સહન ન થતા ચારણીયાણીઓ ત્યા ને યા જીવતી સમાઇ ગયેલી. એ જગ્યાએ હાલ સાત ખાંભીઓ છે. એ ખાંભીઓ હું જોઇ આવ્યો છું.
આ પ્રસંગ પછીના છઠ્ઠા દિવસે વિલાયસા બાપુએ જીવતા સમાધિ લઇ લીધેલી.