પોરબંદર: કચ્છના ધોરડા સફેદ રણમાં દેશભરના રાજ્યોના ડી.જી. ની કોન્ફરન્સમાં દેશના વડાપ્રધાન સહિતનાઓએ હાજરી આપી છે ત્યારે આ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં પોરબંદર પંથકના મણીયારા રાસે કચ્છની ધરાને ધ્રુજાવી હતી.
પોરબંદરના રાણાભાઈ સીડા અને તેમની મંડળીએ મણીયારાની રમઝટ કચ્છમાં બોલાવી હતી જેને જોઈને સૌ કોઈ ઝુમી ઉઠ્યા હતા. ધોરડાના સફેદ રણમાં હાલ તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકો દ્વારા તેની અલગ શૈલીઓ દ્વારા મનોરંજન માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જ્યારે પોરબંદરના મહેર રાસે સ્ટેજ પર રાજ કર્યું હોય તેવું જણાઈ રહ્યું હતું. મણીયારાની શરૂઆત થતાં જ ભાઈ…ભાઈ…ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મહેરનો મણીયારો એ શૌર્યતા અને બલિદાનને દર્શાવતો રાસ છે જેમાં શુરવીરોની ગાથાના ગાયન સાથે ઝુમતા ખેલૈયાઓ સૌને આકર્ષે છે.
ઢોલની દાંડીના સથવારે હવામાં ઉડતા પતંગીયા જેવા આ રાસને નિહાળીને સૌ કોઈ મંત્રમુગ્ધ બની જાય છે તો તલવાર અને ઢાલ સાથે રણમેદાનમાં ધીંગાણું ખેલતા હોય તેવી રીતના રમાતા આ રાસને જોઈને હરકોઈની આંખો પહોળી બની જતી હોય છે. મહેર રાસ મણીયારાની અત્યારસુધીમાં 14 દેશોમાં રમઝટ બોલાવી છે. તો હાલમાં ભુજ ખાતે યોજાનાર ફેરીસર્વિસના ઉદઘાટન સમયે આનંદીબેનની ઉપસ્થિતિમાં પણ મણીયારા રાસની રમઝટ બોલાવવા માટે આમંત્રણ મળ્યું છે. આ રાસમંડળીએ અત્યારસુધીમાં 5 રાષ્ટ્રપતિઓ સમક્ષ તેમના રાસની આગવી કલાને રજૂ કરી છે અને પોરબંદર તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. આવનારા સમયમાં પણ આવી જ રીતે રાસની રમઝટ બોલાવતા રહેશું તેવું રાણાભાઈ સીડાએ જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન પ્રભાવિત થયા
પોરબંદર પંથકની ખમીરવંતી મહેરકોમની લોકસંસ્કૃતિનું એક અનિવાર્ય અંગ એટલે મહેર રાસ મણીયારો. પોરબંદરના મહેર રાસ મંડળે મહેર કોમ અને પોરબંદરને ગૌરવ અપાવીને નવરાત્રી દરમિયાન રાષ્ટ્રપતિભવનમાં મણીયારો રાસ રજૂ કર્યો હતો જેને નિહાળીને રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સહિત સૌકોઈ મણીયારા રાસના તાલે ડોલવા લાગ્યા હતા. તો આ પૂર્વે ચીનના વડાપ્રધાને અમદાવાદની મુલાકાત લીધી હતી ત્યારે તે પણ મણીયારો રાસ જોઈને મંત્રમુગ્ધ બન્યા હતા તો હાલ ધોરડાના સફેદ રણમાં મણીયારો રાસ રજૂ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના તમામ રાજ્યોના ડી.જી. અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ મંત્રમુગ્ધ બન્યા હતા. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ પણ આ રાસ નિહાળ્યો હતો અને તેઓ બોલી ઉઠ્યા હતા કે “અગાઉ આવું નૃત્ય તેઓએ ક્યારેય નિહાળ્યું નથી”