ગુજરાતનું આ ગામ છે રિયલ વાયબ્રન્ટ, સરપંચે ત્રણ વર્ષમાં બદલી ગામની ‘શકલ’
પોરબંદર : ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિકાસની વાતો કરવા લાગે છે અને સરકારી ગ્રાન્ટમાંથી ગામડું હોય કે શહેર તેનો વિકાસ થતો હોય છે. પરંતુ કુતિયાણા તાલુકાના મૈયારી ગામમાં સરકારી ગ્રાન્ટથી તો વિકાસ થાય છે પરંતુ આ ગામના યુવાસરપંચે સ્વખર્ચે વિકાસના અનેક કામો કરીને અન્ય સત્તાધીશો માટે પ્રેરણાદાયક બન્યા છે.
– સરપંચે સ્વખર્ચે બનાવ્યુ વાયબ્રન્ટ મૈયારી
– ગામમાં 61 સીસી ટીવી કેમેરા, 200 સ્ટ્રીટલાઈટ, બાળકો માટે8 લાખના ખર્ચે હરિયાળો બગીચો તૈયાર કરાવ્યો
મૈયારી ગામની વસ્તી માત્ર સાડા ચાર હજારની. પરંતુ આ મૈયારી ગામમાં પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ઉપરાંત લોકોની સુરક્ષા માટેની પણ તકેદારી રાખવામાં આવી છે. આ કોઈ સરકારી ગ્રાન્ટમાંથી કામો થયા નથી પરંતુ છેલ્લા 3 વર્ષથી ચૂંટાયેલા ગામના સરપંચ ભરતભાઈ પરમારે ગામના વિકાસ માટે પોતાના ખર્ચે વિકાસના કામો કર્યા છે. મૈયારી ગામમાં સરકારી ગ્રાન્ટોમાંથી રસ્તા સહિતના કામો થાય છે પરંતુ મોટાભાગના રસ્તા ભરતભાઈએ પોતાના ખર્ચે કરાવ્યા છે એટલું જ નહીં પરંતુ આ ગામમાં ઘરેઘરે લોકોને 600 થી 700 નળ કનેક્શન પણ પોતાના ખર્ચે આપ્યા છે.
રાત્રિના સમયે આ ગામ રોશનીથી ઝળહળી ઉઠે છે કારણ કે 200 જેટલી સ્ટ્રીટલાઈટ પણ ભરતભાઈએ પોતાના ખર્ચે નખાવી છે. સ્વખર્ચે કરાયેલા વિકાસના કામો અહીંથી અટકતા નથી. ગામમાં ચોરી, લૂંટ કે અન્ય કોઈ ગુન્હા બને તો તે ઉકેલી શકાય તેમજ લોકોની સુરક્ષા પણ થઈ શકે તે માટે નાના એવા ગામમાં 60 જેટલા સીસી ટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. 8 લાખના ખર્ચે રળીયામણો બગીચો પણ બનાવ્યો છે. આ રીતે ભરતભાઇએ એક સાચો જન પ્રતિનિધી કેવો હોય તેનો પરિચય આપ્યો છે.
સ્ટ્રીટલાઈટનું બિલ પણ સરપંચ સ્વખર્ચે કરે છે. નાના એવા મૈયારી ગામની દરેક ગલીઓમાં રાત્રિના સમયે દિવસ જેવું અજવાળુ જોવા મળે છે. કારણ કે અહીં 200 જેટલી સ્ટ્રીટલાઈટો ફીટ કરવામાં આવી છે. આ સ્ટ્રીટલાઈટનું દર બે મહિને 15,000 જેવું બિલ ગ્રામપંચાયત નહીં પરંતુ ભરતભાઈ પોતાના સ્વખર્ચે ભરે છે.
બોર્ડની પરીક્ષામાં છાત્રોને ભોજનની વ્યવસ્થા મૈયારીમાં ધો. 10 ની પરીક્ષાનું કેન્દ્ર હોય અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવતા હોય ત્યારે નાના એવા ગામમાં નાસ્તાની કોઈ લારી કે દુકાન નહીં હોવાથી ભરતભાઈ બોર્ડની પરીક્ષા છાત્રો અને વાલીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપે છે.
લગ્નપ્રસંગ અને બિયારણ માટે પણ ગ્રામજનોને આર્થિક સહાય વિકાસના કામો કરીને લોકોની સુખાકારી માટે પ્રયાસો કરનાર સરપંચ ભરતભાઈ પરમાર જ્યારે ખેડૂતોને બિયારણ માટે નાણાની જરૂરીયાત ઉભી થાય છે ત્યારે તેને આર્થિક રીતે મદદરૂપ પણ થાય છે. આ જ રીતે લગ્નપ્રસંગે પણ જરૂરીયાતમંદ પરિવારોને આર્થિક સહાય પણ કરે છે.