૮૫ વર્ષે પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
પોરબંદરમાં ૮પ વર્ષના વૃધ્ધ પિતા બન્યાઃ પુત્રજન્મઃ પોરબંદરના ડો. પારસ મજીઠીયાની સિધ્ધી
તસ્વીરમાં માતા સાથે પુત્ર તથા બાજુમાં ૮પ વર્ષના ભીખુભાઇ ઓડેદરા, ડો. પારસ મજીઠીયા તથા પરિવારજનો ખુશખુશાલ નજરે પડે છે. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
પોરબંદર, તા., ૧૦: હાલના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોઇ ટેકનોલોજી વગર પોરબંદરના ફટાણા ગામના ૮પ વર્ષના વયોવૃધ્ધ પિતા બનતા પરિવારમાં ખુશાલી છવાઇ છે.
પ્રાપ્ત માહીતી મુજબ પોરબંદરના ફટાણામાં રહેતા ભીખુભાઇ વિમળભાઇ ઓડેદરાના ૧૬ વર્ષની ઉંમરે લગ્ન થયા હતા. ત્યાર બાદ સંતાન સુખ ન મળતા પ્રથમ પત્ની સાથે તેણે છુટાછેડા લીધા હતા. ત્યાર બાદ બીજા પત્ની મોંઘીબેન સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં પાંચ દિકરીઓ અવતરી હતી. પરંતુ પુત્ર સુખ પ્રાપ્ત થયું ન હતું.
જેથી ભીખુભાઇ ઓડેદરાએ ત્રીજા લગ્ન ૪૦ વર્ષના શાંતિબેન સાથે કર્યા હતા. તેમનો સુખી સંસાર ચાલી રહયો હતો જેમાં ૧૧ મહિનાના લગ્ન જીવનમાં ગઇકાલે સવારે શાંતિબેનના કુખે પુત્રનો જન્મ થતા ઓડેદરા પરિવારમાં ખુશાલી છવાઇ ગઇ છે.
આ અંગે મનન મેટરનીટી એન્ડ ડેન્ટલ હોસ્પીટલના ડો. પારસ મજીઠીયાએ જણાવ્યું હતું કે, શાંતિબેનની નોર્મલ પ્રસુતિ થઇ છે અને ૮૦ વર્ષે પણ પુરૂષ બાળક માટે મેડીકલ રીતે નોર્મલ હોય છે તે આ કિસ્સા ઉપરથી જોવા મળ્યું છે. આ કેસમાં મહિલાએ પણ ૪૦ વર્ષે બાળકને જન્મ આપતા મેડીકલ ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત થઇ છે.
મૂળ ફટાણા ગામના ભીખુભાઇના શાંતિબેનની સારવાર પોરબંદરના મનન હોસ્પીટલમાં કરવામાં આવી છે.
Akila News
http://www.akilanews.com/10042015/saurashtra-news/1428661994-28882